શ્રી વિપુલ કિકાણી મૂળ અમરેલી જિલ્લાના વતની છે અને અમદાવાદમાં સ્થાયી થયેલા છે. તેઓએ ફાઈનઆર્ટસનો અભ્યાસ કરેલો અને વ્યવસાયે ગ્રાફિક્સ ડિઝાઇનર છે. બાળપણથી કલા અને સાહિત્ય પ્રત્યે રસ ધરાવતા તેઓ પોતાની કારકિર્દીના મધ્યાહને અભિનય કલાના વર્ગમાં જોડાયા જ્યાં અભિનય કરતા તેમને વાર્તા માં વધારે રસ પડ્યો અને પોતાના સહાધ્યાયીઓ સાથે જુદી જુદી કસરતના ભાગ રૂપે ઘણી બધી નાની વાર્તાઓ અને કિસ્સાઓ તેમણે લખ્યા. આવી જ એક ટૂંકી વાતમાંથી લખાયેલી નવલકથા એટલે અમદાવાદ અફેર્સ . લેખક તરીકે તેમની પહેલી નવલકથા હોય ત્યારે તેમનો સંઘર્ષ સરાહનીય છે. ઈ. સ. 2010 માં શરૂ કરેલી આ નવલકથા આમ તો 2014માં પૂર્ણ કરેલી પરંતુ આજના સમયમાં એને પ્રકાશિત કરવાની મથામણ લેખન કરતા વધારે અઘરી છે. આખરે 13 વર્ષના ઇંતેજાર પછી બુક રૂપે આ નવલકથા વાચકોની બનશે.